ત્રણેક વર્ષ પહેલાં “ગળો” વિશે લખ્યું હતું. અમે વર્ષોથી ગળો નું સેવન કરીએ છીએ. હાલની પરિસ્થિતિમાં ઘણાં લોકો ગળો વિશે પૂછતાં હોય છે. ક્યાં મળે? કઈ રીતે લેવું? શું ફાયદો? વગેરે પ્રશ્નો થતાં હોય છે. અમારા ઘરે ૩૬૫ દિવસ ગળો હોય જ. હમણાં બે દિવસ પહેલાં મિત્ર સાથે “ગળો” તોડી લાવ્યો તેનો ફોટો સાથે થોડી માહિતી મુકી રહ્યો છું.

• ક્યાં મળે?: લીમડા, બાવળ કે આંબા પર ચઢેલી અમુક વિશિષ્ટ પ્રકારની વેલને “ગળો” કહેવાય. કડવા લીમડા પર વીંટળાયેલો ગળો સર્વશ્રેષ્ઠ ઔષધિ ગણાય છે. શહેરી વિસ્તારમાં ઉગેલા કડવા લીમડા પર ગળો ની વેલ થશે નહી. સીમ શેઢે, વાડી વિસ્તારો, અવાવરી જગ્યા, વીડી, નદી નાળે લીમડાના થડે અમુક પ્રકારની વેલ વીંટળાયેલી હોય જેમાંથી એક ગળો ની વેલ હોય. પારખી લો તો મફત છે, બાકી વેંચાતી પણ મળે છે.

• કેમ પારખવી?: કડવા લીમડે વીંટળાયેલી વેલમાંથી ગળો પારખવો સરળ છે. ગળો ની વેલ ની છાલ પર ભીંગડા વળેલા જોઈ શકાય અને બીજી વેલો કરતાં પ્રમાણમાં જાડી હોય છે. ફોટામાં ગળો ની વેલ જોશો તો સમજાઈ જશે. છતાં પારખવામાં મુશ્કેલી પડે તો આસપાસની વાડીના ખેડુને પૂછીને ખરાઈ કરી લેવી.

• શું ફાયદાઓ?: ગળોમાંથી છ પ્રકારના રસો ઉત્પન્ન થાય છે. ગળો નો કડવો, તૂરો, તીખો અને મધુર રસ કફદોષને મટાડે છે, વાયુનું શમન કરે છે. ગળોનો મુખ્ય ગુણ વાત, પિત્ત અને કફના દોષોને શાંત પાડવાનો છે. શરીર નરવું રહે. બદલતી ઋતુમાં ગળો નું સેવન ખૂબ ફાયદાકારક. ગળો ની પ્રકૃત્તિ ઠંડી છે છતાં વ્યક્તિની તાસિરને અનુકૂળ આવે તો જ સેવન કરવું. મફત અને બારેમાસ મળતી આ આયુર્વેદિક ઔષધિનું આઠ દસ દિવસે અચૂક એક વાર સેવન કરવું.

લેવાની રીત?: ગળો ની વેલ ફોટામાં બતાવી છે એમ ગૂંચળું વાળી ઘરમાં ખુલ્લી જગ્યાએ રાખવી (છાંયડે સૂકવી, કટકા કરી સંગ્રહ પણ કરી શકાય, પરંતુ આમ કરવામાં ક્યારેક ભેજ રહી જાય તો કટકા બટાઈ જાય છે). એક વ્યક્તિ માટે આંગળીના બે વેઢા જેટલો કટકો લેવો (લગભગ એકાદ ઈંચ જેટલો) અને તેની સુડીથી પાતળી કાતરી કરવી (સોપારીની કાતરી જેવી). આ કાતરી રાત્રે પાણીમાં પલાળી દો. સવારે એ પાણીમાં તુલસીના થોડા પાન અને થોડું જીરું ઉમેરી ઉકાળવું. ગાળીને નઈણે કોઠે પીવું. વયસ્ક વ્યકિતએ એક કપ પીવું. નાના બાળકોને બે ત્રણ પીવડાવો. ગળો પીધા બાદ અડધોક કલાક કંઈ ખાવું પીવું નહી, વધુ ફાયદો કરશે.

ve

આયુર્વેદમાં અમૃત સમાન સર્વરોગોમાં ઉપયોગી આ ઔષધિ “અમૃતા” નામથી ઓળખાય છે.

ગીલોયની ગોળીઓ ખાવા કરતા ગળો પીઓ. નીરોગી રહો.!!

સોર્સ: મીતેશભાઈ સોલંકી (રાજકોટ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *