માસીની અંતિમ વિધિ પહેલા સિવિલ હોસ્પિટલ કંટ્રોલ રમ પર ઉભેલા.. કોરોનાને લીધે મૃત્યુ થયું હોય ત્યારે અંતિમ વિધિ માટેના નિયમો જોઈ રહ્યા હતા. એના પ્રમાણે મૃતકની અંતિમ વિધિ માટે દૂરથી જ હાજરી આપવાની રહે એમ લખેલ હતું.


રામનાથપરા ધામ પહોંચીને સૂચના પ્રમાણે ફૂલનો હાર, ઘરચોડું ચડાવી વેઇટિંગમાં હતા.. ઇલેક્ટ્રિક મશીન ખોટકાઈ ગયેલા, લાકડાથી જ અંતિમ વિધિ કરવાની હતી.. અમારો વારો આવ્યો ત્યારે ખબર પડી કે કોરોનાના નિયમો પ્રમાણે નથી, પરિવારે જ લાકડા લાવી, ગોઠવી બધી વ્યવસ્થા કરવાની છે. સ્મશાનનો સ્ટાફ પૂરતો સપોર્ટ કરતો હતો તેમ છતાં અમે ગણીને 5-6 લોકો જે ગયેલા (બીજા કોઈને આવામાં બોલાવવા યોગ્ય ના જ કહેવાય) એ ટૂંકા પડતાં હતા. લગભગ આ બધામાં એકાદ ને આ ગોઠવણ અને વિધિનો અનુભવ હશે.

સ્મશાનમાં જ ઉપસ્થિત એક ભાઈ આ જોઈ રહ્યા હશે, નજીક આવ્યા અને અમને મદદ કરવા લાગ્યા. મૃતકનું શરીર ગોઠવાઈ ગયું, અગ્નિદાહ અપાયો, બધા હાથ જોડીને પ્રાર્થના કરતાં હતા અને સાથે એ ભાઈ પણ હાથ જોડીને ઊભા હતા.. મેં એમને રામ રામ કર્યા અને આભાર માન્યો અને કહ્યું કે તમારે તો રોજ હમણાં બહુ કામ રહેતું હશે ને?
એ ભાઈ હસીને બોલ્યા કે ‘ભાઈ, હું સ્મશાન નો સ્ટાફ નથી, હું તો પ્લમ્બર છું અને અહી કઇંક વાંધો હતો એટલે રીપેર માટે આવેલો અને તમને બધાને મથતા જોઈને થયું થોડી સેવા કરું’

મે કહ્યું ‘પણ ભાઈ, કોરોના પેશન્ટ હતા, આવી હાલતમાં તો ઘણી વખત સગા પણ દૂર રહે છે, ત્યારે તમે તો સાવ અજાણ્યા’
એમને ફરી હસીને કહ્યું “ભાઈ, મૃતકની અંતિમ વિધિ કરવાથી જે પુણ્ય મળશે એ જ મને કોરોનાથી બચાવશે, સેફટી માટે મે 2 માસ્ક પહેરેલા છે અને હમણાં હાથ સેનિટાઈઝ કરી લઇશ અને ઘરે જઈને ગરમ પાણીથી નાહી લઇશ” અને એ ભાઈ ચાલતા થયા..

ટૂંકમાં, જરૂર હોય ત્યારે પૂરી સેફટી સાથે માનવ ધર્મ નિભાવવામાંથી પીછેહઠ ના કરવી જોઈએ એ શીખવી ને ગયા..

ધર્મેશભાઈ વ્યાસની વોલ પરથી..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *