મનુષ્ય નામની પ્રજાતિ છેલ્લા થોડા દિવસોથી જે યાતના, પીડા અને તકલીફોમાંથી પસાર થઈ રહી છે, એ અવર્ણનીય છે.

હોસ્પિટલમાં બેડ માટે રોજ આવતી અસંખ્ય ઇન્ક્વાયરીઝ, દરરોજ ખાલી થતા ઓક્સીજનના ઢગલાબંધ જમ્બો સીલીન્ડર્સ, પરેડમાં નીકળી હોય એમ રસ્તા પરથી એક પછી એક પસાર થતી એમ્બ્યુલન્સ, સ્ટ્રેચરના વ્હીલ ઘસડાવાના સતત આવતા અવાજો, પોઝીટીવીટીના નામે ફક્ત મળી રહેલા RT-PCRના રિપોર્ટ્સ, વેન્ટીલેટરની અછત, શબ-વાહિનીની વ્યસ્તતા અને ઓવરટાઈમ, સ્મશાનનું એરોગન્સ અને અન-અવેલીબીલીટી, વોટ્સ-એપ ગ્રુપમાં સતત ચાલતા R.I.P ના મેસેજીઝ, હોસ્પિટલ કોરિડોરમાંથી આવતા રડવાના અવાજો, વધી રહેલા આંકડાઓ, ઘટી રહેલા રિસોર્સીસ અને ચારે તરફ ફેલાયેલી અફરાતફરી.


See, the problem is real. આ કોઈ ફિક્શન સ્ટોરીનો પ્લોટ કે આપણું એટેન્શન મેળવવા માટે મીડિયાએ બનાવી કાઢેલા સમાચાર નથી. આ આજની વાસ્તવિકતા છે. This is the damn real truth. અને જ્યાં સુધી આ વાસ્તવિકતાની ગંભીરતા નહીં સમજીએ, ત્યાં સુધી ગંભીર હાલતમાં આવેલા દર્દીઓથી આઈ.સી.યુ ઉભરાતા રહેશે.

વેક્સીન કામ કરે છે કે નહીં ? લોકડાઉન જરૂરી છે કે નહીં ? ક્રિકેટ મેચ, રેલીઓ કે જાહેર સભાઓ ન કરી હોત તો આ પરીસ્થિતિ ટાળી શકાત કે નહીં ? આને માટે કોણ જવાબદાર, કોણ નહીં ? આ સમય એ બધા સવાલો કરવાનો કે બ્લેમ-ગેમ રમવાનો નથી. વ્યક્તિ, પક્ષ, જાતિ કે રાષ્ટ્ર તરફના તમામ મતભેદો કે સૈદ્ધાંતિક વાંધાઓ ભૂલી જઈને અત્યારનો સમય એકબીજાને રાહત આપવાનો છે.

Image Credit

કોઈપણ જાતની રાજકીય ચર્ચાઓ, મતભેદ કે પોલીટીકલ ડિફરન્સીસ ભૂલી જઈને આ સમય વ્યક્તિગત સ્તરે યથાશક્તિ યોગદાન આપવાનો છે. સરકાર કે વિપક્ષે ફલાણું કરવું જોઈએ કે ઢીંકણું ન કરવું જોઈએ, એવા બિનજરૂરી અભિપ્રાયો કે દલીલોમાં સમય બગાડ્યા વગર આ સમય ‘સ્વયં-શિસ્ત’નો છે. ભારત દેશના જાગૃત, જવાબદાર અને સાથી મનુષ્યો પ્રત્યે નિસબત ધરાવતા એક સામાન્ય નાગરિક તરીકે હું અત્યારે શું કરી શકું ? આ સમય બસ એટલું જ વિચારવાનો છે.
જે લોકો ‘પબ્લિક સર્વિસીસ’ સાથે જોડાયેલા છે, એ લોકો કોઈને કોઈ રીતે આ સંકટને ટાળવામાં પોતાનું યોગદાન આપી જ રહ્યા છે. બેડ્સ વધારીને, ઓક્સીજન અને વેન્ટીલેટર્સની વ્યવસ્થા કરીને, ટેસ્ટીંગ અને વેક્સીનેશન વધારીને અને બીજા તમામ શક્ય પ્રયત્નો દ્વારા આ સંકટમાંથી બહાર નીકળવાના પ્રયાસો શરૂ છે. પણ ‘એસેન્શીયલ સર્વિસીસ’ સિવાયના તમામને વિનંતી છે કે પ્લીઝ ઘરે રહો.

ચારે તરફ થઈ રહેલા કોરોના વિસ્ફોટ વચ્ચે સૌથી સુરક્ષિત સ્થળ તમારું ઘર છે. આઈ રિપીટ, આ દુનિયાનું સૌથી સુરક્ષિત સ્થળ અત્યારે તમારું ઘર છે. હોસ્પિટલ, આઈ.સી.યુ, મેડિકલ સ્ટોર, મોર્ગ અને સ્મશાન. તમારા પોતાના ઘર સિવાય અત્યારે દરેક જગ્યાએ ‘વેઈટીંગ’ છે.

નજીવી બાબતો માટે બહાર નીકળીને બિનજરૂરી જોખમ ન લો. લોકોના સંપર્કમાં આવવાનું ટાળો. Treat every person you meet as a potential source of infection. અમે પેશન્ટ્સને પણ રીક્વેસ્ટ કરીએ છીએ કે જો વધારે પડતી તકલીફ ન હોય, તો અત્યારે ઘરે જ સારવાર લો. આ સમય નાની-નાની તકલીફો કે નજીવી ફરિયાદો માટે હોસ્પિટલની મુલાકાત લેવાનો નથી. વધારે ગંભીર અને ક્રીટીકલ દર્દીઓ માટે ડૉક્ટરને સમય ફાળવવા દો.

ભયંકર આર્થિક તંગી કે નાણાભીડને કારણે મજબૂરીમાં કામ કરવું પડતું હોય, અથવા ‘વર્ક ફ્રોમ હોમ’ જેમને માટે શક્ય ન હોય, એ સિવાયના તમામ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન પાળવું જોઈએ. જો શ્વાસની અવરજવર ચાલુ રાખવી હશે, તો માણસોની અવરજવર બંધ કરવી પડશે.

Image Credit

મેડિકલ સર્વિસીસ, હોસ્પિટલ્સ અને ડૉક્ટર્સ પર વધારાનું ભારણ ન ઉમેરીને, એમ્બ્યુલન્સના રસ્તામાં બિનજરૂરી ટ્રાફિક ઉભો ન કરીને, સુપર-સ્પ્રેડર્સથી સંક્રમિત ન થઈને અને બહારથી ‘ગીફ્ટ-રેપ’ કરેલો વાઈરસ ઘરે ન લઈ જઈને, તમે પણ અનેક જિંદગીઓ બચાવી શકો છો. ટૂંકમાં, ફક્ત ઘરે રહીને જ તમે દેશની સૌથી મોટી સેવા કરી શકો છો.

શરદી, ઉધરસ, તાવ કે કળતર જણાય તો કોઈપણ જાતની પૂર્વધારણા કે બાયાસ વગર ટેસ્ટ કરાવો. વેક્સીન અવશ્ય લો. મૃત્યુનું સૌથી મોટું કારણ ક્યારેક ‘મને કશું જ ન થાય’ એવો ભ્રમ હોય છે. એ ચિંતન માટે હોય, ધ્યાન માટે કે પછી ઇન્ફેક્શન અટકાવવા માટે, પણ સમયસર Isolate થઈ જવું દરેક વ્યક્તિ માટે બહુ જરૂરી હોય છે.

Image Credit

જો રાતની રસોઈ જેટલું અનાજ ઘરમાં ન હોય, તો જ એ કમાવવા કે ખરીદવા માટે બહાર નીકળવું. આ સમય ઘરમાં રહીને પ્રાર્થના કરવાનો છે. તબીબો, મેડિકલ સ્ટાફ અને દર્દીઓનો ઉત્સાહ વધારવાનો છે. બીમાર લોકોને શુભેચ્છાઓ પાઠવવાનો છે. બીજું કાંઈ જ ન કરી શકીએ, તો એટલીસ્ટ અત્યાર સુધી નકામી રહેલી જીભનો સદુપયોગ કરીએ. એડમિનિસ્ટ્રેશન, પ્રશાસન કે ‘મૂર્ખ’ જનતાની ટીકા કરવામાં ‘શ્યુડો-પ્લેઝર’ લેવાને બદલે દર્દી કે મૃતકોના સ્વજનોને શબ્દોથી કમ્ફોર્ટ આપીએ.

ઘરના સભ્યોને સંક્રમિત ન થવા દેવાની જવાબદારી આપણી છે. મમ્મી-પપ્પાને બહાર જતા અટકાવો. બાળકોને ઘરમાં બીઝી રાખો. સામાજિક પ્રસંગો, વ્યવહાર, બેસણું, મીટીંગ્સ, ગેટ-ટુ-ગેધર્સ, બર્થ ડે પાર્ટીઝ, જીમ, એરોબીક્સ, ઝુમ્બા, ટ્યુશન ક્લાસીસ, કરાટે, યોગા. કશું જ મહત્વનું નથી. જે કરવું હોય, એ ઘરે કરો. ધબકતા હ્રદયમાંથી પસાર થતા રક્ત અને ફેફસામાં ઉજવાઈ રહેલા શ્વાસના ઉત્સવ સિવાય અત્યારે આપણા માટે બીજું કશું જ મહત્વનું નથી.

Image Credit

પહેલા આપણા રાજ્યમાં, પછી શહેર, વિસ્તાર, સોસાયટી અને હવે આપણા પડોશમાં. મૃત્યુ આપણા ઘર સુધી પહોંચી ગયું છે. જો સમયસર ઘરના દરવાજા બંધ નહીં કરીએ, તો…

-ડૉ. નિમિત્ત ઓઝા

ડૉ. નિમિત્ત ઓઝાના લોકપ્રિય પુસ્તકો ઘરે બેઠા મેળવવા અહી ક્લિક કરો અથવા 7405479678 પર વોટ્સએપ કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *