સ્કુલમાં અભ્યાસ દરમ્યાન લીઓ ટોલ્સ્ટોય – રશીયન લેખકની વાર્તાઓ અભ્યાસક્રમમાં આવતી. એમાંની એક વાર્તા નજર સમક્ષ તાદ્રશ્ય થતી જોઇ. આ અનુભવ પાછો એક વખત થયો.

બહુમાળી ભવન પાસેના ખુણા ઉપર, ડ્રાઈવ ઇન રોડ, અમદાવાદ. એ નાનકડા ઓટલા ઉપર બુટ ચંપલ રીપેર અને બુટ પોલીશ માટે એક મોચી ભાઇ બેસે છે. વાતાવરણ એકદમ પોઝીટીવ. એનું કારણ શું? આપણી આસપાસ આવા અનેક ફેરીયાઓ કે આવું કામ કરતા લોકો હોય છે. આપણું એના ઉપર ક્યારેય ધ્યાન પણ નથી પડતું.
એ પહેલાં એક બીજી વાત કરૂં. લીઓ ટોલ્સટોયની વાર્તા છે વ્હેર લવ ઇઝ, ગોડ ઇઝ. જ્યાં લાગણીઓ છે ત્યાં ઇશ્વર છે. એ વાર્તાનું મુખ્ય પાત્ર માર્ટીન એવ્ડેઇચ છે. લોકોના બુટ ચંપલ રીપેર કરતા હોય છે. અને એના જીવનની કરૂણ ઘટનાઓને કારણે નાસ્તીક બની ગયા હતા. પણ ફરી એક વાર કોઇની સલાહથી ધર્મ તરફ વળ્યા અને લોકોને મદદ કરવાની ભાવનાને કારણે જીવનમાં ઘણી શાંતી પ્રાપ્ત થઈ.

સવારે લેપટોપની બેગનો બેલ્ટ રીપેર કરવા માટે આ મોચીભાઇ પાસે થોડી વાર ઉભો રહ્યો અને એમની સાથે સત્સંગ કરવાનો અવસર પ્રાપ્ત થયો. ઉનાળાની શરૂઆત અને રોડના ખુણે એક વૃક્ષ નીચે એમનો વ્યવસાય એટલે લોકોને મદદરૂપ થતાં થતાં આવક પણ મેળવતા રહે. ત્યાંથી પસાર થતા ફેરીયાઓ, સરકારી ઓફીસના કર્મચારીઓ, ટ્રેક્ટર ચાલકો અને રીક્ષાવાળાઓ… બધાને નામથી ઓળખે અને બોલાવતા જાય, રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય ગોગા કે જય બાબારી સંબોધી પાણીની ઓફર કરે. એક વડીલ સહેજ લંગડાતા ચાલતા આવતા જોઇ, કહ્યું કે દાદા તમારા બુટ ફાટી ગયા છે. લ્યો.. આ મારા ચંપલ પહેરીને તમારૂં કામ પતાવતા આવો, ત્યાં સુધીમાં બુટ રીપેર કરી નાખું. બેસવા માટે બે મોટા પથ્થર પણ રાખ્યા છે. જેના ઉપર ગાદી ગોઠવી છે.

બુટ પોલીશ હોય કે ચંપલ રીપેર હોય.. દસ રૂપીયા કે વધીને વીસ રૂપીયા ચાર્જ કરતા જોયા. રેડીયા ઉપર ગીત વગાડતા હતા અને સાથે ઝડપથી કામ ચાલુ રાખી સડક ઉપર આવતા જતા લોકોને ખરા અર્થમાં સેવા કરતા હતા. પાણીની બોટલ ખાલી થઈ તો કહે બે મિનિટ જરા ધ્યાન રાખજો. હમણાં પાણી ભરતો આવું. કારણ હવે ગરમીમાં લોકોને અને મને બન્નેને જરૂર પડશે. અને હા, કોરોનાની મહામારી પછી પણ એમણે ભાવ નથી વધાર્યા.

વાઈબ્રેશન એકદમ હકારાત્મક. એનું કારણ ત્યાં થોડી વાર ઉભો રહ્યો એટલે ખબર પડી ગઈ. અને એમની વ્યસ્તતાનું કારણ પણ.
લેપટેપ બેગનો બેલ્ટ સાંધીને બોલ્યા… જુવો આ મસ્ત ઘુઘરા જેવું થઈ ગયું હવે નો તુટે.

મેં પુછ્યું કેટલા થયા?

જવાબ દસ રૂપીયા.

અરે દસ થોડા હોય? તમે ડબલ ટાંકા લીધા છે. સોલ્યુશન લગાડ્યું છે.. વધારે હોય.

ના ભાઇ.. આટલા જ થાય.

પછી મેં જે વિચાર્યા હતા એ રકમ આપી તો આનાકાની કરી. પણ લીધા અને કહ્યું કે પ્રોબ્લેમ નહી જ આવે. પણ આવે તો હું બેઠો જ છું. લેતા આવજો.
મોરલ: કસ્ટમર રીલેશનશીપ, કસ્ટમર સર્વીસ, લોકોની સેવા અને મદદરૂપ થવાની લાગણી.

મિતેશભાઈ પાઠક સાથે બનેલી સત્ય ઘટના – મીતેશભાઈ પાઠક એક મોટીવેશન સ્પીકર અને ટ્રેઈનર છે. એમના ગુજરાતીમાં સરળ સમજૂતી સાથેના વિડીયો ખૂબ ઉપયોગી હોય છે. એમની ચેનલની મુલાકાત લેવા અહી ક્લિક કરો

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *