આમ તો ભારત આઝાદ થયો એને સાત દાયકાથી વધુ સમય થઈ ગયો છે અને આપણે બધા ભારતીયો દર વર્ષે પોતાની સ્વતંત્રતાની ઉજવણી પણ કરીએ છીએ, પણ શું તમે જાણો છો કે હજી પણ આપણાં દેશના એક ભાગમાં બ્રિટીશ સરકારનું રાજ ચાલે છે. જી હાં, કદાચ તમને આ વાત પર વિશ્વાસ ન હોય તો તમને જણાવી દઈએ કે અહીંયાથી પ્રત્યેક વર્ષે 1.20 કરોડ રૂપિયા બ્રિટનને મોકલવામાં આવે છે. ચાલો તમને વિગતવાર જણાવીએ કે આખરે આમ કેમ અને આવું ક્યારેથી ચાલી રહ્યું છે?

 

હકીકતમાં, આ ભારતમાં બિછાવવામાં આવેલ એવી રેલવે લાઇન છે, જેનાં પર માલિકીનો હક ભારતીય રેલવેનાં બદલે બ્રિટનની એક ખાનગી કંપની પાસે છે, એટલે એની રોયલ્ટી પણ એ કંપનીને જ મળે છે. વાસ્તવમાં અમરાવતી થી કપાસ મુંબઈ પોર્ટ સુધી પહોંચવા માટે અંગ્રેજોએ આ ટ્રેક બનાવ્યો હતો. તેનું નિર્માણ 1903 માં બ્રિટીશ કંપની ક્લિક નિક્સનએ શરૂ કર્યું અને રેલ ટ્રેકને પાથરવાની સંપૂર્ણ કામગીરી 1916 માં પૂર્ણ થઈ. તો વળી, આની નિર્માતા કંપનીની વાત કર્યે તો 1857 માં સ્થાપિત થયેલ આ કંપની આજે સેન્ટ્રલ પ્રોવિન્સ રેલ્વે કંપનીના નામથી ઓળખાય છે.

 

નોંધનીય છે કે, વર્ષ 1951માં ઈન્ડિયન રેલવેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું છતાં ફક્ત આ એક રુટ ભારત સરકારનાં હક હેઠળ ન આવ્યો. એવામાં મહારાષ્ટ્રમાં પથરાયેલ આ નેરોગેજવાળા ટ્રેકનો ઉપયોગ કરનાર ઈન્ડિયન રેલવે વાર્ષિક 1.20 કરોડ રૂપિયાની રોયલ્ટી બ્રિટનની ખાનગી કંપનીને ચૂકવે છે. જોકે આ રેલવે ટ્રેક પર માત્ર એક જ ટ્રેન ચાલે છે. શકુંતલા એક્સપ્રેસ પેસેન્જર કે જે અમરાવતીથી મુર્તજાપુર વચ્ચે 189 કિલોમીટરનું અંતર કાપે છે. આ સફરની વધુમાં વધુ ઝડપ 20 કિલોમીટર પ્રતિ કલાક છે.

જો કે, વચમાં શકુંતલા એક્સપ્રેસને બે વાર બંધ પણ કરી દેવામાં આવી હતી. પહેલી વખત 2014 માં અને બીજી વખત એપ્રિલ 2016 માં, પરંતુ મહારાષ્ટ્રના લોકોની માંગ અને આ પ્રદેશ-સાંસદના દબાણને લીધે, સરકારને આ રેલ સેવા ફરીથી ચાલુ કરવી પડી. પ્રાદેશિક પ્રતિનિધિઓનું કહેવું છે કે આ ટ્રેન અમરાવતીના લોકોની લાઈફ લાઇન છે અને આ વિસ્તારના સાંસદોએ આ ટ્રેકને બ્રોડ ગેજમાં કન્વર્ટ કરવા માટે રેલવે બોર્ડને દરખાસ્ત પણ મોકલી છે.

 

જો કે, ભારત સરકારે આ ટ્રેકને ઘણીવાર ખરીદવાનો પ્રયાસ કર્યો છે પરંતુ કેટલાક તકનીકી કારણોસર, એમાં સફળતા નથી મળી. તેથી જ આજે પણ, આ ટ્રેક પર બ્રિટનનની સેન્ટ્રલ પ્રોવિન્સ રેલ્વે કંપનીનો કબજો છે અને તેની જાળવણીની જવાબદારી પણ તેની જ છે. પરંતુ દર વર્ષે લાખો ડોલરની કમાણી હોવા છતાં, આ કંપની ક્યારેય એનું રીપેરીંગ કામ નથી કરાવતી, જેના કારણે આ ટ્રેક ખૂબ જ ખરાબ થઈ ગયો છે. રેલવેના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા 60 વર્ષથી તેનું રીપેરીંગ કામ નથી થયું. આવા ટ્રેકમાં પણ સાત કોચવાળી આ પેસેન્જર ટ્રેનમાં દરરોજ લગભગ એક હજારથી વધુ લોકો મુસાફરી કરે છે.

તમને જણાવી દઈએ કે 100 વર્ષથી વધુ જૂની 5 કોચની આ ટ્રેનને 70 વર્ષ સુધી સ્ટીમ એન્જિન દ્વારા ચલાવવામાં આવી હતી. જોકે, 15 એપ્રિલ, 1994 થી શકુંતલા એક્સપ્રેસમાં સ્ટીમ એન્જીનની જગ્યાએ ડીઝલ એન્જિનનો ઉપયોગ થવા લાગ્યો. જોકે, આ રેલવે લાઈન પર લાગેલા સિગ્નલ આજે પણ બ્રિટિશકાળનાં જ છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *