આજથી એક વર્ષ પૂર્વે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે કેટલાંક લોકોનું કહેવું-માનવું હતું કે, ૩૦૦૦ કરોડ રૂપિયા એક લોખંડની મૂર્તિ પાછળ ખર્ચી નાખવા કરતા એટલા જ રૂપિયાનાં શાળા, કોલેજ, હોસ્પિટલો, આવાસ યોજના વગેરે બનાવવામાં આવે તો? સરદારનાં સ્ટેચ્યુ બનાવવા પાછળ મોદીજીની આકરી ટિકાઓ થઈ મજાક પણ ઉડી રહી હતી પરંતુ સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ થયાનાં એક વર્ષ બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભંગારની મૂર્તિ, ચાઈનાની બનાવટ કે કરોડો રૂપિયાનો વેડફાટ કહેનારા સરદાર, મોદી, રૂપાણી વિરોધી લોકો જડબાતોડ જવાબ ખુદ જનતાએ જ આપ્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ પામ્યાનાં એક વર્ષમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીએ અનેક વિક્રમ સર્જ્યા છે, હજારો લોકોને રોજગારી આપી છે અને લાખો-કરોડો રૂપિયાનો વેપાર-નફો કર્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ પૈકીનાં એક પ્રોજેક્ટ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત હજુ વધારેને વધારે લોકો લે તે હેતુસર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સીધી દેખરેખ – માર્ગદર્શન હેઠળ સમગ્ર નર્મદા – કેવડીયાની આસપાસ નવા નવા પર્યટક સ્થળ પણ વિકસાવવામાં આવી રહ્યાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાર્ષિક ૧૫ બિલીયન ડોલરની ઈકોસિસ્ટમ બનાવશે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં હાલનાં જ એક વિક્રમની વાત કરવામાં આવે તો..

તાજમહેલ કરતા પણ વધારે આવક સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક વર્ષમાં કરી


૩૧ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ વિશ્વની સૌથી મહાન પ્રતિભાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં લોકાર્પણ બાદ દેશ-દુનિયાનાં લાખો પ્રવાસીઓ આ સ્થળની મૂલાકાત લઈ ચૂક્યા છે. મહત્ત્વની વાત એ છે કે, સૌથી વધારે આવક ધરાવતા ભારતનાં શ્રેષ્ઠ પાંચ સ્થળોએ જેટલી કમાણી નથી થતી તેના કરતા વધારે કમાણી સ્ટેચ્યુ ઓફ યુનિટીએ એક વર્ષના સમયમાં કરી લીધી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક વર્ષના સમયગાળામાં ૨૪.૨૫ લાખ લોકોએ મુલાકાત લીધી હતી અને આ તમામ મુલાકાતીઓથી સ્ટેચ્યુ યુનિટીને ૬૩.૩૯ કરોડ રૂપિયાની વાર્ષિક આવક થઈ છે. આ આવક ભારતનાં સૌથી વધારે આવક ધરાવતા શ્રેષ્ઠ પાંચ સ્થળ કરતા પણ વધારે છે.

આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયાનાં આંકડાઓ અનુસાર વાત કરવામાં આવે તો દેશમાં સૌથી વધારે આવક ધરાવતા પાંચ સ્થળોમાં તાજમહેલ, આગરા ફોર્ટ, કુતુબ મીનાર, ફતેહપુર શિક્રી અને લાલ કિલ્લાનો સમાવેશ થાય છે. જેમાં વર્ષ ૨૦૧૭-૧૮ની વાર્ષિક આવકમાં પહેલા ક્રમાંકે તાજમહેલ – વાર્ષિક આવક ૫૬.૮૩ કરોડ રૂપિયા, બીજા ક્રમાંકે આગરા ફોર્ટ – વાર્ષિક આવક ૩૦.૫૫ કરોડ રૂપિયા, ત્રીજા ક્રમાંકે કુતુબ મીનાર – વાર્ષિક આવક ૨૩.૪૬ કરોડ રૂપિયા, ચોથા ક્રમાંકે ફતેહપુર શિક્રી – વાર્ષિક આવક ૧૯.૦૪ કરોડ રૂપિયા છે અને પાંચમાં ક્રમાંકે લાલ કિલ્લો – વાર્ષિક આવક ૧૬.૧૭ કરોડ રૂપિયા છે. આ પાંચ સ્થળોની સરખામણીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની એક વર્ષનાં સમયગાળામાં ૨૪.૨૫ લાખ લોકોએ મુલાકાત લીધી હતી અને આ તમામ મુલાકાતીઓથી સ્ટેચ્યુ યુનિટીને ૬૩.૩૯ કરોડ રૂપિયાની વાર્ષિક આવક થઈ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિશ્વનું પ્રથમ એવું જંગલ સફારી બનશે જ્યાં નેચરલ વાઈલ્ડ લાઈફ જોવા મળશે

સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા બંધ વચ્ચે લગભગ ૩૭૫ એકરમાં બની રહેલ જંગલ સફારી પાર્કને આગામી દિવસોમાં પ્રવાસીઓ માટે ખુલ્લો મુકાશે. કેવડિયાના જંગલ સફારીમાં પાવાગઢ રેસ્ક્યુ સેન્ટરમાંથી એક દીપડો જંગલ સફારી માટે લાવવામાં આવ્યો છે સાથે હરણ અને સાબર પણ લાવવામાં આવ્યા છે. આ સિવાય સાઉથ આફ્રિકા, સિંગાપુર, નેધરલેન્ડ, જર્મની, ફ્રાન્સ, ઇંગ્લેન્ડ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના વિવિધ દેશો માંથી વિવિધ પ્રજાતિના પોપટ, ચકલી, સસલા, મરઘી, બતક, ઇમુ, શાહમૃગ સહિતનાં પક્ષીઓ-પ્રાણીઓ અહીં લાવવામાં આવી રહ્યાં છે. આ સાથે સક્કરબાગ ઝૂ અને જૂનાગઢ ઝૂમાંથી સિંહ, વાધ, ચિત્તો સહિતનાં અન્ય પ્રાણીઓ પણ અહીં લાવવાનું કામ ચાલુ છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે બની રહેલા સફારી પાર્કમાં ૧૮૯ પ્રજાતિના ૧૫૦૦થી વધુ પશુ પક્ષીઓ વિવિધ ઝોનમાં રાખવામાં આવશે. જયારે વિદેશી ઔરંગ ઉટાન, રેક્સ, આલ્ફા લામા, એમ્પાલા પ્રજાતિના પ્રાણીઓ ભારતમાં ક્યાંય નથી જે અહીંયા પ્રવાસીઓને જોવા મળશે. ૧૨ જેટલા વિવિધ પ્રજાતિના હરણ હશે. અહીં નાના બાળકો વિદેશી નાના નાના પ્રાણીઓ અને પક્ષીઓ સાથે રમી પણ શકશે. પ્રવાસીઓ માટે ખાસ પ્રકારની ઈ-કારની વ્યવસ્થા કરાઈ છે તથા ૭૫ એકરમાં જાનવરો માટે ઘાસચારો પણ ઉગાડવામાં આવ્યો છે. કેવડિયા જંગલ સફારી પાર્કમાં રોજના ૧૦૦૦થી ૧૫૦૦ જેટલા પ્રવાસીઓ આવી શકશે. આ સફારી પાર્કમાં સ્થાનિક ૩૫૦ જેટલા આદિવાસીઓને રોજગારી પણ મળશે.

આમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી એક બાદ એક અનેક વિક્રમ સર્જી રહ્યું છે અને ત્યાં અવનવા આકર્ષણ પણ ઉભા કરવામાં આવી રહ્યા છે.

Author: ‘ભવ્યા રાવલ’
તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *