ગુજરાત અને બિહાર બાદ રાજસ્થાનમાં પણ દારૂબંધીની માંગ ઉઠતા દારૂબંધીને લઈને રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે નિંદનીય નિવેદન આપ્યું છે. ગુજરાતનું ઉદાહરણ આપી અશોક ગહેલોતે જણાવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા ૭૦ વર્ષોથી દારૂબંધી છે, પરંતુ સૌથી વધારે દારૂ ત્યાં જ પીવાય છે. ગુજરાતમાં લોકો ઘેર-ઘેર દારૂ પીવે છે. આમ, રાજસ્થાનનાં મુખ્યમંત્રી અશોક ગહેલોતે ગુજરાતમાં ઘેર-ઘેર દારૂ પીવાઈ છે એવું કહીને ગુજરાતનાં ૬ કરોડ ગુજરાતીઓને દારૂડિયા કહી અપમાન કર્યું છે. કોંગ્રેસી નેતા અશોક ગહેલોતનાં ગુજરાતીનાં લોકો દારૂડિયા હોવાના નિવેદન પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જડબાતોડ જવાબ આપતા જણાવ્યું છે કે, કોંગ્રેસ આ અંગે માફી માગે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડી નહીં શકનારા ગહેલોત ગુજરાતનાં લોકોનું અપમાન કરી રહ્યાં છે. ગુજરાતમાં ફરી જ્યારે પેટા ચૂંટણી યોજાવવાની છે ત્યારે કોંગ્રેસી નેતા અશોક ગહેલોત પોતાની ભ્રષ્ટ બુદ્ધિનું પ્રદર્શન કરી રહ્યાં છે. આ મામલે કોંગ્રેસે ગુજરાતીઓની માફી માંગવી જોઈએ.

વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવત કોંગ્રેસ પર બરાબર લાગુ પડે છે. પદનાં નશામાં મદ બનેલી કોંગ્રેસે ગુજરાતમાં ઘેર-ઘેર લોકો દારૂ પી રહ્યાં છે તેવું કહીને ગુજરાતીઓનું જે અપમાન કરવાની ચેષ્ટા કરી છે તે અપમાન બદલ ગુજરાતીઓ કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. હકીકતમાં ઉલટા ચોર કોતવાલ કો ડાટે જેવી પરિસ્થિતિ છે. મતલબ કે, રાજસ્થાનની ભ્રષ્ટ સરકાર-પોલીસ જ ગુજરાતમાં ગેરકાયદેસર દારૂ ઠાલવે છે. અને પછી કહે છે કે, ગુજરાતમાં ઘેર-ઘેર દારૂ પીવાઈ છે. જ્યારથી રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવી છે ત્યારથી ગુજરાતની સરહદી સીમા પર રાજસ્થાન-એમપીની કોંગ્રેસ સરકાર અને તેની પોલીસ ગેરકાયદેસર પ્રવૃત્તિને અંજામ આપી ગુજરાતનું વાતાવરણ વિકૃત બનાવવાની કોશિશ કરી રહી છે. જોકે ગુજરાત સરકારની દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ અને પોલીસ વિભાગની સતર્કતાને કારણે રાજ્યમાં દારૂબંધીનાં કેસોમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. રાજ્યનાં સ્ટેટ મોનીટરીંગ સેલ કોંગ્રેસશાસિત રાજ્યોમાંથી ઘુસાડવામાં આવતા દારૂ સંદર્ભે પણ ૨૪ કલાક નજર રાખી રહી છે.

ગુજરાતમાં જાન્યુઆરી ૨૦૧૭થી જુલાઈ ૨૦૧૯ સુધીમાં ૧૫૪૦૪૫૪ લિટર દેશી દારૂ, વિદેશી દારૂની ૧૨૯૫૦૪૬૩ બોટલ અને બિયરની ૧૭૨૪૭૯૨ બોટલ પકડાઈ હતી. જેમાં વિદેશી દારૂની કુલ કિંમત ૨૩૨.૧૩ કરોડ, બિયરની કિંમત ૧૭.૯૮ કરોડ અને દેશી દારૂની કિંમત ૩.૦૬ કરોડ મળીને કુલ ૨૫૪ કરોડ રૂપિયા જેટલો જથ્થો ઝડપાયો હતો. જેમાં છેલ્લા બે વર્ષમાં ૧૩૨૪૧૫ દેશી દારૂના કેસ અને ૨૯૯૮૯ વિદેશી દારૂનાં કેસ નોંધાયા છે. જે કેસની સંખ્યા દૈનિક ૧૮૧ દેશી દારૂના અને ૪૧ વિદેશી દારૂની થાય છે. દારૂના કુલ કેસમાં ૧૮૮૨૨૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાતનાં પડોશી રાજ્યોમાંથી બુટલેગરો દ્વારા ગેરકાયદેસર દારૂ ઘુસાડવાની પ્રવૃતિને ડામવા માટે રાજય સરકારે બે મહત્વનાં પગલા લીધા છે. જેમાં દારૂની હેરાફેરીમાં ઝડપાયેલા વાહનો બૂટલેગરો અદાલતમાંથી પણ ન છોડવી શકે તે માટે કાયદામાં કડક જોગવાઈ દાખલ કરી છે. રૂપાણી સરકાર દ્વારા દારૂબંધીનો કાયદો કડક કર્યા બાદ વર્ષ ૨૦૧૭ – ૨૦૧૮માં અંદાજિત રૂ. ૩૭૧ કરોડની કિંમતનાં ૨૨૦૦૦થી પણ વધુ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં સૌ પ્રથમવાર રૂપાણી સરકારે નશાબંધીનો કાયદો કડક બનાવીને દારૂબંધી વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. ગુજરાત સરકાર નશાબંધીની નીતિને વરેલી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકારે નશાબંધી સુધારા વિધેયક લાવીને દારૂનાં ઉત્પાદન, વેચાણ, હેરાફેરી કરનારને ૧૦ વર્ષ જેલ અને રૂપિયા પાંચ લાખની દંડની જોગવાઈ કરી છે. સૌ પ્રથમવાર હુક્કાબાર અને ઈ-સિગારેટ પર પણ પ્રતિબંધ ગુજરાતે જ મૂક્યો હતો ત્યારબાદ ગુજરાતનાં પગલે દેશભર ઈ-સિગારેટ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેના પરિણામે યુવાનો નશામાંથી મુક્ત બન્યા છે. ગુજરાતમાં દારૂબંધી આભાસી નહીં પરંતુ તેનો કડક રીતે અમલ થતો હોવાથી દારૂનો જથ્થો પકડાવાના કિસ્સાઓ વધી રહ્યાં છે. જે સરકાર – પોલીસ તંત્રની અસરકારક કામગીરી વ્યક્ત કરે છે. આમ, રૂપાણી સરકારે ગુજરાતમાં દમદાર દારૂબંધીનાં કડક કાયદાનો અમલ શક્ય બનાવ્યો છે.

ગુજરાતમાં ઘેર-ઘેર દારૂ પીવાઈ રહ્યો નથી. ગુજરાત સરકાર અને પોલીસ ગુજરાતી પ્રજાને નશાનાં ગેરમાર્ગે જતા બચાવવા-અટકાવવા પ્રયત્નશીલ છે ઉપરાંત આપણી શાણી-સમજુ પ્રજા દારૂનાં સેવનથી થતા ગેરફાયદા સુપેરે જાણે છે આથી કેટલાંક લોકોને બાદ કરતા ગુજરાત સંપૂર્ણ નશામુક્ત રાજ્ય હોય કોંગ્રેસી નેતા અશોક ગહેલોતે ગુજરાતનાં ૬ કરોડ લોકોને દારૂડિયા કહી ગુજરાત અને ગુજરાતીઓનું અપમાન કર્યું છે. કોંગ્રેસે ગુજરાતીઓની માફી માંગવી જ જોઈએ.

Author: લેખક પત્રકાર – ભવ્યા રાવલ (રાજકોટ)

તમે આ લેખ ‘જ્ઞાન સાથે ગમ્મત’ ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

અને હા, તમને લાગતું હોય કે આ વાર્તા કે લેખ ગમ્યો તો નોંધજો કે આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી ઘણી બધી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, ફિલ્મી ખબરો, ધાર્મિક વાતો, રસોઈ રીલેટેડ માહિતી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “જ્ઞાન સાથે ગમ્મત” લાઈક કરી જોડાઓ તથા જલ્દી જ અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ પણ આવી રહી છે. થોડી પ્રતીક્ષા કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *