ચંદ્ર ઉપર વિક્રમ લેન્ડર કઈ જગ્યાએ લેન્ડ થયું છે એની માહિતી ઈસરોને મળી ગઈ છે. રવિવારે મીડિયા સાથે વાત કરતા ભારતીય અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રના ચેરમેન ડૉ. કે સિવનએ જણાવ્યું હતું કે, વિક્રમ લેન્ડરનું લોકેશન મળી ગયું છે. ડૉ. કે સિવનના જણાવ્યા મુજબ ઓર્બિટરની મદદથી વિક્રમ લેન્ડરની જાણકારી મળી છે અને ઓર્બિટર દ્વારા ખેંચવામાં આવેલ તસ્વીરમાં લેન્ડર નજરે ચડે છે. આવનાર 14 દિવસ સુધી લેન્ડર સાથે અમે ફરીથી સંપર્ક કરવાની કોશિશ કરીશું.

સંપર્ક કરવાની કોશિશ ચાલુ :


મીડિયા સાથે વાત કરતા ડૉ. કે સિવને જણાવ્યું કે, ઈસરો હજુ પણ વિક્રમ સાથે સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યું છે અને આશા છે કે ફરીથી સંપર્ક થઈ જશે. એમણે કહ્યું કે, ચંદ્રયાન-2 મિશન 99% સફળ રહ્યું છે. જોકે આપણે વિશેષજ્ઞનું માનીએ તો લેન્ડર સાથે ફરી સંપર્ક કરવો ખૂબ જ મુશ્કેલ છે અને આવું થવાની શકયતા ખૂબ જ ઓછી છે.

નોંધનીય છે કે ચંદ્રયાન-2 ઈસરોનું સૌથી મોટું મિશન હતું. આ મિશન હેઠળ ચંદ્રની ધરતી પર લેન્ડર અને રોવરને ઉતારવાના હતા. ઈસરોએ આ મિશનના બધા જ ચરણોને સફળતાપૂર્વક પાર પાડ્યા હતા. પરંતુ 7 સપ્ટેમ્બરે જ્યારે લેન્ડરને ચંદ્રની સપાટી પર ઉતારવામાં આવી રહ્યું હતું ત્યારે લેન્ડર સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયો હતો. ત્યારબાદ લેન્ડર વિશે કોઈપણ પ્રકારની માહિતી ઈસરોને નહોતી મળી રહી. એટલામાં ચંદ્રની પ્રદક્ષિણા કરી રહેલ ઓર્બીટરે લેન્ડરની થર્મલ ઇમેજ લીધી અને ઈસરોને મોકલી. જેનાથી ખ્યાલ આવ્યો કે વિક્રમ લેન્ડર સુરક્ષિત છે. તમને જણાવી દઈએ કે, લેન્ડરને ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડ કરવામાં આવવાનું હતું પરંતુ ચંદ્રના દક્ષિણી ધ્રુવની સપાટીથી 2.1 કિ.મી. જેટલા અંતરે લેન્ડર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.

દુનિયાના માત્ર 3 દેશ થયા છે સફળ :


ચંદ્રની સપાટી પર પહોંચવામાં અત્યાર સુધી દુનિયાના માત્ર ત્રણ દેશ સફળ થયા છે. જેમાં રશિયા, અમેરિકા અને ચીનનો સમાવેશ થાય છે. ચંદ્રની સપાટી પર પહોંચવામાં સૌથી પહેલા રશિયાને સફળતા મળી હતી અને રશિયાએ 04 જાન્યુઆરી 1959 માં ચંદ્ર પર પોતાનું લેન્ડર ઉતાર્યું હતું. વિક્રમ લેન્ડર સાથે સંપર્ક ન તૂટ્યો હોત તો ભારત ચંદ્ર મિશનને સફળ કરનાર ચોથો દેશ બની જાત.

આખી દુનિયાએ ઈસરોના વખાણ કર્યા :


દુનિયાના ઘણા સમાચાર પત્રો અને ટીવી ચેનલોએ ભારતના ચંદ્રયાન-2 મિશનની નોંધ લીધી છે. જેમાં લખ્યું છે કે, આ મિશન ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું અને ઘણી હદ સુધી આ મિશનમાં સફળતા મળી છે. નાસાએ પણ ઈસરોના વખાણ કરતા જણાવ્યું છે કે, આ પ્રકારનું મિશન સફળ બનાવવાનું કામ મુશ્કેલ હોય છે અને આ મિશન ભારત માટે ઘણું મોટું રહ્યું છે.

મિત્રો, ‘જ્ઞાન સાથે ગમ્મત’ પરનો આ રસપ્રદ આર્ટિકલ પસંદ આવ્યો હોય તો શેર કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *